*બેટી બચાવો બેટી પઢાવો*
"સ્નેહ્ની સૂરત છું ને મમતાની મૂરત છું, પ્રેમના અમાપ સાગર જેવી, લાડક્વાયી બેટી તણી જાત છું"
સૃષ્ટિની ઉત્પતિથી લઇને આજ સુધી કુદરતે કોઇ હસતું ,ખેલતું અને નિષ્કામ ,નિ:સ્વાર્થ સર્જન કર્યું હોય તો એ દીકરીનું છે.મિત્રો, જગતજનની જગદંબાના અવતાર સમી દીકરી એ તો દિલનો દીવો કહેવાય ,દીકરી તો તુલસીનો પાવન છોડ કહેવાય , કરુણા,ત્યાગ અને પ્રેમની સાક્ષાત મૂર્તિ કહેવાય.
એકવીસમી સદી એટલે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી કહેવાય .આજના આ યુગમાં પણ આજની સ્ત્રીઓ પુરુષોને સમોવડી બનીને પોતાના નેતૃત્વના ગુણો પ્રદર્શિત કરી રહી છે. વૈદિક કાળથી લઇને સીતા , અહલ્યા,ગાર્ગી, અપાલા,લોપામુદ્રા જેવી અનેક સ્ત્રીઓએ ઉદાહરણ રુપ કાર્યો કરીને જગતને સ્ત્રી શક્તિનો પરીચય આપી દીધો છે. આજના જન માનસમાં હજી પણ થોડા ઘણા અંશે દીકરીના અવતરણને હીન નજરથી જોવામાં આવી રહ્યું છે. મિત્રો,દીકરી છે તો સમાજ છે ,રાષ્ટ્ર છે,વિશ્વની ધરોહર દીકરી જ છે. આપણા સમાજમાં હજી પણ ક્યાંક જે હીનતાનો ભાવ જોવા મળે છે તે બદલવો પડશે.
દીકરી નથી સાપનો ભારો દીકરી તો છે તુલસીનો ક્યારો,દીકરી તો છે ગંગાનો ઓવારો , કુદરતના કોમળ હાથનું શ્રેષ્ઠ સર્જન એટલે દીકરી આવો એ દીકરીના જન્મને વધાવીએ . સમાજના ઘડતરનું કાર્ય જેના હાથમાં છે એવી દીકરીઓને શિક્ષણ મળે ,દીકરી ફક્ત ગૃહિણી ન બની રહે પરંતુ, માન મોભા સાથે શિક્ષણ મેળવી તેનો સર્વાંગીણ વિકાસ કરે તે માટે આપણે સૌ સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરીએ.
આજે ભારત જેવા વિકાસશીલ દેશમાં ભ્રૂણ હત્યા ,નવજાત બેટીઓને તરછોડી દેવાના બનાવો રોજબરોજ જોવા મળી રહ્યા છે.આજે પણ અમુક સમાજ વિચિત્ર માનસિક્તા સાથે દીકરીઓ ના જન્મ સાથે ચેડાં કરી રહ્યો છે. ગંભીર વિચાર કરવાની જરૂર છે આજે પોતાના પુત્ર માટે વહુઓ દરેકને જોઇએ છે પણ દીકરીઓ નહીં,ઘરે દીકરીઓનો જન્મ થાય તે પસંદ નથી .શું આ વાત ગળે ઉતરે તેમ છે? દીકરી તો ઝગમગ જ્યોત છે,સંસ્કારની સુવાસ છે,બે કુળને કંચન બનાવનાર પાવનકારી પારસમણી છે.દીકરી ભણશેતો માતાપિતાની આબરુ વધારશે,સાસુ સસરાની સેવા કરશે , આજના સમયમાં વિભકત કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે,જો દીકરી ભણેલી હશે ,સમજદાર હશે તો આ વિભક્ત કુટુંબોને સંયુક્ત થતાં વાર નહીં લાગે.સમાજનો સમગ્ર આધાર દીકરીના શ્રેષ્ઠ ઘડતર પર છે.
આજે સરકાર પણ આ દિશામાં અનેક યોજનાઓ લાવી રહી છે.દીકરીના જન્મ થી લઇને તમામ ખર્ચની જવાબદારી સરકારે પોતાના શિરે લીધી છે.કન્યા કેળવણી યોજના,સુકન્યા સમૃધ્ધિ યોજના ,દીકરી રુડી સાચી મુડી,ભાગ્યશ્રી યોજના ,લાડકી લક્ષ્મી યોજના,,ધન લક્ષ્મીયોજના,લાડલી બેટી યોજના ,કન્યા વિવાહ યોજના ,ગર્લ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કિમ,બાલડી રક્ષક યોજના જેવી અનેક યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે.હવે સમજવાનો વારો આપડો છે.
મિત્રો, દીકરીતો બાપનો શ્વાસ છે,માતાનો વિશ્વાસ છે અને ભાઇનો અઢળક ઓવારણા લેતો પ્રેમ છે.છેલ્લે એટલું જ કહીશ કે : સ્નેહથી નીતરતી સરવાણી છું, માતાપિતાનો પ્રેમ અને પરીઓની રાણી છું. બેટી પઢાવો બેટી બચાવો, બેટી સંગ હેત પ્રેમ ને લાગણી વાવો.
Comments